અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવેલી એક લેખિત ફરિયાદે અમદાવાદ મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. RTI એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવતી સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને અધિકારીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સહિત ઉચ્ચ સ્તરે પત્ર લખી રક્ષણની માગ કરી છે.

પત્રમાં બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો

વાયરલ થયેલા પત્રમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આક્ષેપ કર્યો છે કે, કેટલાક ચોક્કસ વ્યક્તિઓ RTI એક્ટિવિસ્ટના નામે ગેરકાયદે બાંધકામો અને તંત્રની કાર્યવાહીને નિશાન બનાવી અધિકારીઓને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા છે. આ વ્યક્તિઓ વોટ્સએપ, ફોન કોલ્સ અને ઈ-મેઈલ દ્વારા સતત સંપર્ક કરી બ્લેકમેલિંગ કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

PM અને ચીફ જસ્ટિસ સુધી પહોંચી ફરિયાદ

અધિકારીએ આ પત્ર માત્ર ACBને જ નહીં, પરંતુ તેની નકલ વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), નાયબ મુખ્યમંત્રી, શહેર પોલીસ કમિશનર, DCP અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલી આપી છે. પત્રમાં કયા એક્ટિવિસ્ટે કયા મુદ્દે કેટલી અરજીઓ કરી છે, તેનો પણ વિગતવાર ડેટા રજૂ કરવામાં આવ્યો છે.

ગેરકાયદે બાંધકામોને હથિયાર બનાવાયું

પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધકામો સામે જ્યારે તંત્ર કાર્યવાહી કરે છે, ત્યારે આ એક્ટિવિસ્ટો અંગત સ્વાર્થ માટે દબાણ લાવે છે. તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી અધિકારીઓને ખોટી રીતે ફસાવવાની ધમકી આપતા હોવાનું પણ જણાવાયું છે. હવે જોવાનું એ રહેશે કે આટલા મોટા સ્તરે ફરિયાદ થયા બાદ ગૃહ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે શું તપાસના આદેશ આપે છે.


આ પણ વાંચો - Ahmedabad News: સરખેજમાં પરિણિતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું