અમદાવાદના શાન સમાન કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે ખાણીપીણીના સ્ટોલ્સ પર કડક તપાસ હાથ ધરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે કાર્નિવલ પરિસરમાં આવેલા વિવિધ ફૂડ સ્ટોલ્સ પર તવાઈ બોલાવી હતી.


AMC ફૂડ વિભાગની ટીમની કાર્નિવલમાં તપાસ 

AMC ફૂડ વિભાગની ટીમે કાર્નિવલમાં કાર્યરત 19 જેટલા ફૂડ સ્ટોલ્સ પર આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સવારથી સાંજ સુધી વેચાતી વિવિધ વાનગીઓ અને કાચા માલના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી નાસ્તાથી લઈને ચાઈનીઝ આઈટમોનો સમાવેશ થાય છે.

લેબોરેટરી તપાસ માટે મોકલાયા નમૂના

આરોગ્ય વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવેલા આ તમામ નમૂનાઓને સીલ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે. લેબ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કે હલકી ગુણવત્તા જણાશે, તો સંબંધિત સ્ટોલ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે.

સહેલાણીઓની સુરક્ષા પ્રાથમિકતા

કાર્નિવલમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો આવતા હોય છે, ત્યારે બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક બીમારી ફેલાવી શકે છે. મનપાના આ પગલાંનો ઉદ્દેશ્ય વેપારીઓ સ્વચ્છતા જાળવે અને શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાર્નિવલના આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભારતીય નૌસેનાનું અદભૂત સાહસ, 2000 વર્ષ જૂની ટેકનિકથી બનેલું એન્જિન અને ખીલા વગરનું ‘INSV કૌંડિન્યા’ પોરબંદરથી ઓમાન જવા રવાના


  • Follow us on: