અમદાવાદ મનપામાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ હિતેશ બારોટ એક્શનમાં આવ્યા હતાં. તેમણે સાદગી સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું. આજે તેમણે શહેરના પૂર્વ વિસ્તારમાં રાઉન્ડ લીધો હતો. આ વિસ્તારમાં ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મેયર હિતેશ બારોટે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે પૂર્વ અમદાવાદમાં ખારિકટ કેનાલનું વર્ષો જૂનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 14 કિ.મી લાંબી લાઇન પર 2027 સુધીનું આયોજન ચાલુ છે.
આગામી સમયમાં EV કાર વસાવવા પ્રયાસ
નવા મેયર હિતેશ બારોટે વધુમાં કહ્યું હતું કે, વરસાદ પહેલાં આગામી 25 વર્ષના આયોજન સાથે વોટર લોગિંગના કામો શરૂ કરાયા છે, જે 15 જૂન પહેલાં પૂરા કરાશે. પર્યાવરણ અને ઈંધણ બચાવવા મેયરે પોતે ઈલેક્ટ્રિક કાર લીધી છે અને કોર્પોરેશન પણ આગામી સમયમાં EV કાર વસાવવા પ્રયાસ કરશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને ગેરકાયદે દબાણો હટાવવા માટે પણ વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું હોવાનું મેયરે જણાવ્યું. મુલાકાત દરમિયાન મેયરે સ્વીકાર્યું કે બધી જગ્યાએ એકસાથે કામ પૂરું ન થઈ શકે, પરંતુ લોકોની સુવિધા માટે તબક્કાવાર કામગીરી ચાલુ છે.
