કરોડો રૂપિયાના બજેટ સાથે ચાલતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વહીવટી તંત્રની એક મોટી લાપરવાહી સામે આવી છે. કોર્પોરેશનની ઓફિસમાંથી અતિ મહત્વની સરકારી ફાઇલો ગુમ થઈ રહી હોવાની વિગતો બહાર આવી છે. છેલ્લા માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં કોર્પોરેશનમાંથી એક પછી એક બે મહત્વની ફાઇલો ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

ઉત્તર ઝોનમાંથી પેવર બ્લોકની ફાઇલ ગાયબ

મળતી માહિતી મુજબ, આ વખતે ફાઇલ ગુમ થવાની ઘટના AMCના ઉત્તર ઝોન (North Zone) કાર્યાલયમાંથી સામે આવી છે. આ ઝોનમાં લોકહિતના કામ અંતર્ગત નાખવામાં આવેલા પેવર બ્લોકના પ્રોજેક્ટની આ ફાઇલ હતી. આ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરના ફાઇનલ પેમેન્ટ (આખરી ચૂકવણી) માટેની ફાઇલ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મોકલવામાં આવી હતી, પરંતુ આ ફાઇલ પરત ન આવતા અને કચેરીમાંથી મળી ન આવતા આખરે ફાઇલ ગુમ થઈ હોવાનો સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે.

અગાઉ એપ્રિલમાં પણ ખોવાઈ હતી ફાઈલો

નોંધનીય બાબત એ છે કે, AMCમાં ફાઇલ ગુમ થવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પૂર્વે ગયા એપ્રિલ મહિનામાં પણ કોર્પોરેશનની ઓફિસમાંથી કેટલીક મહત્વની ફાઇલો ખોવાઈ હોવાનું સામે આવ્યું હતું. આમ, સતત બીજા મહિનામાં પણ ફાઇલ ગુમ થવાની ઘટના પુનરાવર્તિત થતાં કોર્પોરેશનના આંતરિક રેકોર્ડ મેનેજમેન્ટ અને કચેરીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ફાઇનલ પેમેન્ટની ફાઇલ ગુમ થવા પાછળ કોઈ વહીવટી ગોબાચારી કે કૌભાંડ છુપાવવાનો પ્રયાસ છે કે કેમ તે અંગે પણ વહેંત વહેતી થઈ છે. આ મામલે હવે વિપક્ષ અને જવાબદાર સત્તાધીશો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:Rajkot: નવા પશ્ચિમ વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે, 220 કરોડના ખર્ચે નવો 9 કિમીનો BRTS રૂટ મંજૂર