રાજકોટના ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર પરિવહન સેવાને લઈને સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં વસ્તી અને વાહનોના વ્યાપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે 'નવા 150 ફૂટ રિંગ રોડ' પર પણ સ્માર્ટ બીઆરટીએસ (BRTS) કોરિડોર બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 220 કરોડની માતબર રકમ ફાળવવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
9 કિલોમીટરનો નવો ડેડિકેટેડ રૂટ
મળતી વિગતો અનુસાર, આ નવો બીઆરટીએસ કોરિડોર જામનગર રોડથી શરૂ થઈને પાળ રોડ સુધીનો રહેશે. આશરે 9 કિલોમીટર લાંબા આ રૂટ પર બીઆરટીએસ બસો માટે સ્પેશિયલ (ડેડિકેટેડ) લેન તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં આ રૂટ પર કલરફુલ અને આધુનિક બીઆરટીએસ બસો દોડતી કરવામાં આવશે, જેનાથી મુસાફરો ખૂબ જ ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકશે.
