અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક અને પાર્કિંગની જટિલ સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવીન અને પ્રાયોગિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલા ખાલી પ્લોટને હવે વ્યવસ્થિત પાર્કિંગ માટે ખાનગી એકમો અને કોમર્શિયલ કોમ્પલેક્સને ભાડે આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 102 પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
AMC આપશે કોમર્શિયલ એકમોને પ્લોટ
શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે મ્યુનિ.એ તમામ ઝોનમાં પ્લોટ નક્કી કર્યા છે. જેમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 33 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ઝોનમાં 21 પ્લોટ, ઉત્તરમાં 18 પ્લોટ, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 12-12 પ્લોટ તથા દક્ષિણમાં 6 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને સાઉથ વેસ્ટ ઝોનના મકરબા, વેજલપુર, બોડકદેવ અને સરખેજ જેવા વિસ્તારોમાં જ્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સો પાસે પૂરતું પાર્કિંગ નથી, ત્યાં મ્યુનિ.એ ફક્ત પાર્કિંગની વ્યવસ્થા માટે પ્લોટ એલોટ કર્યા છે.
