અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ અપાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક નવો ચિલો ચાતરવામાં આવ્યો છે. AMC ના કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરમાંથી પકડાયેલા પશુઓને બાકરોલ અને દાણીલીમડા સ્થિત 'કરૂણા મંદિર' (ગૌશાળા) ખાતે રાખવામાં આવે છે, જ્યાં હવે પશુઓના છાણમાંથી બાયોગેસ અને વીજળી પેદા કરવામાં આવી રહી છે.

બાકરોલ: શહેરનું પ્રથમ 'ઝિરો વેસ્ટ' કેમ્પસ

બાકરોલ ખાતે 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલા કરૂણા મંદિરમાં આશરે 750 પશુઓ છે. અહીં રોજનું 2800 કિલો છાણ એકઠું થાય છે. AMC દ્વારા સ્થાપિત બે બાયોગેસ પ્લાન્ટ દ્વારા રોજ 1000 કિલો છાણનો ઉપયોગ કરી અંદાજે 46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે. રોજની 35 યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી તંત્રને દર મહિને આશરે રૂ. 3.50 લાખની બચત થઈ રહી છે.

બચત અને રોજગારીનો સંગમ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંધાનિધિ પાનીના જણાવ્યા અનુસાર, અહીં ઉત્પન્ન થતા બાયોગેસનો ઉપયોગ કેમ્પસના રસોડામાં થાય છે. અગાઉ દર મહિને 27 એલપીજી સિલિન્ડરની જરૂર પડતી હતી, જે હવે શૂન્ય થઈ ગઈ છે. ઉપરાંત, છાણમાંથી સ્ટીક બનાવી મંદિરોમાં હોમ-હવન માટે મફત વહેંચવામાં આવે છે, જેનાથી 13 કામદારોને રોજગારી પણ મળી રહી છે.

ભવિષ્યનું આયોજન

માત્ર છાણ જ નહીં, પરંતુ આગામી સમયમાં શહેરના શાકભાજી માર્કેટમાંથી વધેલા કચરાનો ઉપયોગ પણ બાયોગેસ પ્લાન્ટ ચલાવવા માટે કરવાનું આયોજન છે. દાણીલીમડા ખાતે પણ 350 પશુઓના છાણમાંથી વીજળી ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ, 'રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ'ના મંત્ર સાથે અમદાવાદ હવે વેસ્ટ મેનેજમેન્ટમાં દેશને નવી રાહ ચીંધી રહ્યું છે.


આ પણ વાંચો - Ahmedabad News: ચંડોળા તળાવ ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ, તળાવના બ્યુટીફિકેશન માટે બાઉન્ડ્રી વોલ અને ગુંબજનું કામ પૂર્ણતાના આરે