અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે કોર્પોરેશન દ્વારા જંગી ખર્ચ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને શહેરના માર્ગોની સફાઈ માટે અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે 7 લાખ ઝાડુની ખરીદી કરવા માટેની દરખાસ્ત આજે પરચેઝ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઝાડુની ખરીદી માટે બે અલગ-અલગ ટેન્ડર
કોર્પોરેશન દ્વારા ઝાડુની ખરીદી પારદર્શક રીતે થાય તે માટે બે અલગ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પ્રથમ ટેન્ડર 2 લાખ ઝાડુની ખરીદી રૂ. 54.80 ના ભાવે કરવામાં આવશે.બીજું ટેન્ડર 5 લાખ ઝાડુની ખરીદી રૂ. 44 ના ભાવે કરવાની દરખાસ્ત છે.આમ, કુલ 7 લાખ ઝાડુ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સફાઈ કામગીરીને વેગ આપવામાં આવશે.
રસ્તા પરના સફેદ પટ્ટા માટે 7.40 કરોડનું આયોજન
માત્ર સફાઈ જ નહીં, પરંતુ માર્ગ સલામતી માટે પણ કોર્પોરેશન મોટી રકમ ખર્ચશે. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક ગાઈડલાઈન અને સફેદ પટ્ટા (Road Markings) લગાવવા માટે થર્મોપ્લાસ્ટ મટીરીયલની ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 7.40 કરોડ રૂપિયાના ખર્ચની દરખાસ્ત રજૂ કરાશે, જેથી વાહનચાલકોને રાત્રિના સમયે અને ચોમાસા દરમિયાન રસ્તા પર સ્પષ્ટ વિઝિબિલિટી મળી રહે.
આજે સાંજે લેવાશે આખરી નિર્ણય
આ તમામ દરખાસ્તો આજે સાંજે મળનારી પરચેઝ કમિટીની બેઠકમાં ચર્ચવામાં આવશે. કમિટીના સભ્યો દ્વારા ભાવ અને ક્વોલિટીની ચકાસણી કર્યા બાદ આ ખરીદી પર અંતિમ મહોર મારવામાં આવશે. આ નિર્ણય બાદ શહેરના વિવિધ વોર્ડમાં સફાઈના સાધનોની અછત દૂર થશે અને માર્ગો પર રિફ્લેક્ટિવ પટ્ટા લગાવવાની કામગીરી શરૂ કરી શકાશે.
આ પણ વાંચો: Surat: કોસાડ આવાસમાં સમાધાન કરાવવા ગયેલા યુવકની હત્યાનો મામલો, અમરોલી પોલીસે 3 આરોપીઓને દબોચ્યા