સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની બેદરકારી જાણે પરાકાષ્ઠાએ પહોંચી છે. શહેરના દક્ષિણ ઝોન હેઠળ આવતા સૈજપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી અર્થે ખોદવામાં આવેલો ખાડો પશુઓ માટે મોતનો કૂવો સાબિત થયો છે. વહેલી સવારે અંધારામાં પાંચ ગાયો એકપછી એક આ ઊંડા ખાડામાં ખાબકી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે ગાયોના મોત થયા છે.
અમદાવાદમાં AMCની ઘોર બેદરકારી
મળતી માહિતી મુજબ, સૈજપુર વિસ્તારમાં માર્ગ પર કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ તેની આસપાસ કોઈ પ્રોપર બેરિકેટિંગ કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. વહેલી સવારે પાંચ ગાયો આ ખાડામાં એકબીજા પર ખાબકી હતી. ખાડો ઊંડો હોવાથી ગાયો બહાર નીકળી શકી નહોતી અને ગૂંગળામણ તેમજ ઈજાઓને કારણે બે ગાયોએ દમ તોડી દીધો હતો.
કોર્પોરેશને ખોદેલા ખાડામાં પાંચ ગાય ખાબકી
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પશુપાલકો અને રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોતાના પશુઓ ગુમાવનાર પશુપાલકોમાં AMC સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, "તંત્ર કામ અધૂરું મૂકી દે છે અને ખાડા પૂરવાની તસ્દી લેતું નથી, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આજે મૂંગા પશુઓનો જીવ ગયો છે, કાલે કોઈ માણસ પણ આનો ભોગ બની શકે છે."
તંત્રના મૌન સામે સવાલ
ઘટના બાદ સ્થાનિકોએ બાકીની ત્રણ ગાયોને મહામુસીબતે બહાર કાઢી હતી. જોકે, આટલી ગંભીર બેદરકારી બાદ પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. સૈજપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કે મેન્ટેનન્સ કામગીરીની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો: Anand: ગંભીરા મહિસાગર નદીમાં 25 મુસાફરો ભરેલી નાવડી પલટી, સ્થાનિકોની સતર્કતાથી મોટી હોનારત ટળી