આણંદ અને વડોદરાને જોડતી મહિસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ગંભીરાથી ડબકા તરફ જઈ રહેલી એક નાવડી નદીના મધ્યભાગમાં સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી. નાવડીમાં સવાર 25 જેટલા નોકરિયાતો નદીના પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ સ્થાનિક તરવૈયાઓ અને આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી તમામનો આબાદ બચાવ કર્યો હતો.


મહિસાગર નદીમાં મુસાફરો ભરેલી નાવડી પલટી

મળતી માહિતી મુજબ, ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ આસપાસના ગામના લોકો અને ખાસ કરીને પાદરા તરફની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો માટે નાવડી જ એકમાત્ર સહારો બની છે. આજે વહેલી સવારે રાબેતા મુજબ 25 જેટલા નોકરિયાતો નાવડીમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. નદીના વહેણ વચ્ચે અચાનક નાવડીએ સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં તે નદીમાં ઊંધી વળી ગઈ હતી.

સ્થાનિકો બન્યા દેવદૂત

નાવડી પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી. કાંઠા પર હાજર સ્થાનિક લોકો અને અન્ય તરવૈયાઓ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત બાદ પાણીમાં ડૂબી રહેલા તમામ 25 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બ્રિજ તૂટતા જીવના જોખમે મુસાફરી

ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ બંધ કરવામાં આવ્યો હોવાથી, હજારો નોકરિયાતોએ વહેલી સવારે અને સાંજે નોકરી પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે. દરરોજ સેંકડો લોકો જીવના જોખમે આ રીતે નદી પાર કરે છે. આજની આ ઘટનાએ તંત્રની બેદરકારી અને વૈકલ્પિક વ્યવસ્થાના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો:Bardoli: જેસીબી મશીનથી ખોદકામ વખતે ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, મેઈન લાઈન બંધ કરી તંત્રએ મેળવ્યો કાબૂ

  • Follow us on: