ગુજરાતમાં હાલ કકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વર્ષના અંતિમ દિવસોમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ની અસરને કારણે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જશે વરસાદી માહોલ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ની લેયરો ઉત્તર ભારતથી લંબાઈને ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ભેજનું પ્રમાણ વધતા વરસાદી વાદળો બંધાશે.

ક્યારે અને ક્યાં થશે માવઠું?

આગાહી મુજબ, વર્ષ 2025ના અંતિમ દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.  31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 (નવા વર્ષનો પ્રારંભ) દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા અથવા હળવા વરસાદની શક્યતા છે. વરસાદી ઝાપટાં બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનો વ્યાપ

શિયાળુ પાક જેવા કે જીરું, ઘઉં અને રાયડાના વાવેતર સમયે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જો વાતાવરણમાં વધુ પલટો આવે અને કમોસમી વરસાદ પડે, તો રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી ક્ષેત્રના નિષ્ણાતો ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો:પોલીસની બુટલેગરો પર લાલ આંખ, વર્ષ 2025માં 9.25 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 146 આરોપીઓ પાસા હેઠળ જેલભેગા

  • Follow us on: