ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન અભૂતપૂર્વ કામગીરી કરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, આખા વર્ષ દરમિયાન દેશી અને વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી સામે ઝુંબેશ ચલાવી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અનેક કુખ્યાત ગેંગના સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


વડોદરામાં 2025માં પ્રોહિબિશનના કેસોમાં કાર્યવાહી

વર્ષ 2025 દરમિયાન વડોદરા પોલીસે પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ હજારો કેસો નોંધી મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 2,077 કેસ નોંધ્યા છે, જેમાં 2,101 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરીના 1,105 ગુનાઓ દાખલ કરી 1,016 આરોપીઓને જેલભેગા કરાયા છે.

15 કરોડથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલી વસ્તુઓની કિંમત આશ્ચર્યજનક છે. કુલ ₹9.25 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂની હેરાફેરીમાં વપરાતા 190 વાહનો જપ્ત કરાયા છે, જેની કિંમત આશરે ₹6.21 કરોડ થાય છે.તપાસ દરમિયાન 193 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.

બુટલેગરો વિરુદ્ધ કડક પાસા અને તડીપારની કાર્યવાહી

માત્ર દારૂ પકડવા પૂરતું મર્યાદિત ન રહીને, પોલીસે ગુનેગારોના મનમાં કાયદાનો ડર બેસાડવા માટે અટકાયતી પગલાં પણ લીધા છે. શહેરના કુલ 146 માથાભારે બુટલેગરો અને ગુનેગારો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત સંડોવાયેલા 11 ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે.

અલ્પુ સિંધી ગેંગ પર 'ગુજસીટોક'નો શિકંજો

વર્ષ 2025ની સૌથી મોટી કાર્યવાહી કુખ્યાત અલ્પુ સિંધી ગેંગ વિરુદ્ધ જોવા મળી હતી. આ ગેંગ વિરુદ્ધ અગાઉ કુલ 268 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વડોદરા પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે આ ગેંગના 8 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધી તેમની કમર તોડી નાખી છે. વડોદરા પોલીસની આ આક્રમક કામગીરીને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી સમયમાં પણ આવી જ ઝુંબેશ ચાલુ રાખવાની પોલીસ કમિશનરે ખાતરી આપી છે.

આ પણ વાંચો: ONGC ના ક્રૂડ ઓઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ટેન્કર ચાલક જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

  • Follow us on: