છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ દ્વારા માનવ પર થતા હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર મુદ્દે પ્રાણી નિષ્ણાત રાગ પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, જંગલોનો સતત નાશ થવાથી વન્યજીવોના કુદરતી રહેણાંકના વિસ્તારો ઘટી રહ્યા છે. જ્યારે પ્રાણીઓને જંગલમાં પૂરતો ખોરાક કે રહેવાની સુરક્ષિત જગ્યા મળતી નથી, ત્યારે તેઓ મજબૂરીમાં ખોરાકની શોધમાં જંગલની સીમા ઓળંગીને માનવ વસતીવાળા વિસ્તારોમાં આવી ચઢે છે. આ પરિસ્થિતિ માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ બની રહી છે.

કેમ વધ્યા જંગલી જાનવરોનો આતંક?

નિષ્ણાત રાગ પટેલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ પ્રાણી ક્યારેય કારણ વિના મનુષ્ય પર હુમલો કરતું નથી. મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે પ્રાણી પોતાને અસુરક્ષિત અનુભવે છે અથવા તેને લાગે છે કે તેના બચ્ચા કે જીવ પર ખતરો છે, ત્યારે તે 'સ્વબચાવ' (Self-defense) માં હુમલો કરે છે. લોકો ઘણીવાર ઉત્તેજિત થઈને પ્રાણીને પકડવા કે મારવા માટે ટોળા વળે છે, જેનાથી પ્રાણી વધુ હિંસક બની જાય છે. જો વન્યજીવોના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવામાં ન આવે અને જંગલોનું પુનઃ વનીકરણ ન થાય, તો આ પ્રકારના હુમલાઓ અટકાવવા મુશ્કેલ બનશે.