શહેરમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સક્રિય બની છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ફોર્સે રાયપુર દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને 30.60 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
અમદાવાદમાં MD ડ્રગ્સ ઝડપાયું
ઝડપાયેલા આરોપીની ઓળખ ફૈજલ ઉર્ફે ફૈજુ ધલ્લાવાલા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફૈજલ આ જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હતો, પરંતુ તે ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ ટાસ્ક ફોર્સે તેને દબોચી લીધો હતો. આ મામલે ખાડિયા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
