અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં જાહેરમાં જ બબાલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક તત્વો તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને ધાક જમાવીને હંગામો મચાવ્યો હતો. આ હુમલા પાછળનું કારણ પૈસાની ઉઘરાણીમાં દાદાગીરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ
આ સમગ્ર હિંસક ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોસાયટીમાં જીવલેણ હથિયારો સાથે ઘૂસીને બબાલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો થયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. પોલીસે વાયરલ થયેલા આ CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સોસાયટીમાં ઘૂસીને દાદાગીરી કરનાર તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.













