અમદાવાદના અસલાલી વિસ્તારમાં આવેલા તળાવની જમીન પરના દબાણો હટાવવાનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્થાનિક સત્તાતંત્ર દ્વારા તળાવ કિનારે વસતા પરિવારોને ડિમોલિશન માટે નોટિસ ફટકારવામાં આવતા રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજદારોની રજૂઆત છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા છે અને અચાનક નોટિસ આપીને તેમને ઘરવિહોણા કરવા તે અન્યાય છે. આથી, માનવીય અભિગમ અપનાવીને ડિમોલિશનની કામગીરી રોકવા અથવા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અરજી કરવામાં આવી છે.
ડિમોલિશન નોટિસ સામે કાનૂની જંગ
આ મામલે સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કલેક્ટરને એક વિશેષ કમિટીની રચના કરવા સૂચના આપી છે, જે અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો સાંભળશે. અદાલતે નિર્દેશ આપ્યો છે કે દબાણ હટાવતા પહેલા આ પરિવારોના પુનર્વસન માટે યોગ્ય નીતિ ઘડવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. હવે આ કેસની વધુ સુનાવણી એપ્રિલ મહિનામાં હાથ ધરવામાં આવશે, ત્યાં સુધી વહીવટી તંત્રએ આ આદેશોનું પાલન કરીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.













