ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં ઝડપાયેલા બે જેહાદીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ શંકાસ્પદ આતંકીઓએ સોશિયલ મીડિયા પર 'હિન્દ-એ-વિલાયત' નામનું એક ગુપ્ત ગ્રુપ બનાવી ભારતના યુવાનોમાં જેહાદી માનસિકતા ફેલાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું.
દેશવ્યાપી નેટવર્ક
ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ 'હિન્દ-એ-વિલાયત' ગ્રુપમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારતના અલગ-અલગ રાજ્યોના સભ્યો સામેલ હતા. આ નેટવર્કની ગંભીરતાને જોતા હવે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ અને મહારાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી સાહિત્ય અને વીડિયો શેર કરીને યુવાનોના બ્રેઈનવોશ કરવામાં આવતા હતા.
