અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકની જટિલ સમસ્યાને ઉકેલવા માટે પોલીસ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે. ખુદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મેદાનમાં ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ઝાયડસ ચાર રસ્તા જેવા વ્યસ્ત પોઈન્ટ્સ પર ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે તાત્કાલિક અસરથી ફેરફારો કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનરે કરી ટ્રાફિક સમીક્ષા

આ ફેરફારો કોઈ અંદાજ પર નહીં, પરંતુ વૈજ્ઞાનિક સર્વેના આધારે કરવામાં આવ્યા છે. SVNIT (Surat) ની ટીમ દ્વારા અમદાવાદના વિવિધ જંકશન અને રસ્તાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના રિપોર્ટ બાદ કયા સ્થળે નવા કટ ખોલવા અને કયા સ્થળે જૂના કટ બંધ કરવા તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝાયડસ ચાર રસ્તા ખાતે નવી વ્યવસ્થા

પોલીસ કમિશનરે ઝાયડસ ચાર રસ્તાની મુલાકાત લઈને બ્રિજની નીચે બંને તરફ નવા ટ્રાફિક કટ ખોલવાની મંજૂરી આપી છે. પોલીસનો દાવો છે કે આ નવા કટથી વાહનોની અવરજવર સરળ બનશે અને ચાર રસ્તા પર થતો ટ્રાફિક જામ ઓછો થશે.

બિનજરૂરી કટ બંધ કરાયા

નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે શહેરમાં અનેક જગ્યાએ લોકોએ પોતાની સુવિધા ખાતર બિનજરૂરી રીતે ડિવાઈડરમાં કટ બનાવી દીધા છે, જે અકસ્માત અને ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. પોલીસ કમિશનરે આવા તમામ ગેરકાયદે અને બિનજરૂરી કટને તાત્કાલિક બંધ કરવાની કામગીરી શરૂ કરાવી છે.

આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા, જોધપુર હાઈવેથી લવાયો હતો નશાનો જથ્થો