શહેરના બલોલનગર બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બનેલી એક ગમખ્વાર ઘટનામાં, બ્રિજ પરના જોખમી વળાંક પર એક બાઇક ચાલકે કાબૂ ગુમાવતા તે સીધો બ્રિજ નીચે ખાબક્યો હતો. પથ્થરો પર પટકાવાને કારણે માથાના ભાગે ગંભીર ઇજા થતાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.
બલોલનગર બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો
મૃતકની ઓળખ અતુલભાઈ પંચાલ તરીકે થઈ છે. અતુલભાઈ પોતાની બાઇક લઈને બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક પાસે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠા હતા. બાઇક સ્લિપ થવાની સાથે જ અતુલભાઈ બ્રિજની રેલિંગ ઓળંગીને નીચે પટકાયા હતા. નીચે જમીન પર રહેલા મોટા પથ્થરો પર તેઓ પડ્યા હતા, જેના કારણે તેમનું માથું ફાટી ગયું હતું અને લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
