સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 3.14 અને ડિઝલમાં 3.11 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ વધારા પ્રમાણે હવે પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાશે. જ્યારે ડીઝલ 90.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાશે. અગાઉ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ઈંધણની કિંમતોમાં વધારો થશે તેવા સંકેતો આપ્યા હતાં.
ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે
સરકારી ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે. પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો આજથી જ લાગુ થઈ જશે. અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે તો કંપનીઓનું એક ક્વાર્ટરમાં નુકસાન એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હવે જે ભાવ વધારો થયો છે તે સરકારી કંપનીઓને થઈ રહેલા નુકસાનની તુલનાએ ખૂબ ઓછો છે.
