અમદાવાદની શાળાઓને મળતા ધમકીભર્યા ઈ-મેઈલને કારણે આજે આખો દિવસ શહેરના શૈક્ષણિક પરિસરોમાં ભયનો માહોલ રહ્યો છે. સવારની ઘટનાઓ બાદ હવે વસ્ત્રાપુર અને ખોરજ વિસ્તારની વધુ બે શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ (AIS) અને ખોરજમાં આવેલી જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલને અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. અચાનક આવેલી આ ધમકીના કારણે સ્કૂલ સંચાલકોએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં
ધમકી મળતાની સાથે જ અમદાવાદ પોલીસની વિવિધ ટીમો, ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ અને સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મેદાન, ક્લાસરૂમ અને બિલ્ડિંગના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અગાઉ મળેલી ધમકીઓની જેમ જ, સાયબર ક્રાઈમની ટીમ આ નવા મેઈલના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. પોલીસ એ તપાસી રહી છે કે આ તમામ મેઈલ પાછળ કોઈ એક જ ગેંગનો હાથ છે કે પછી આ કોઈ 'હોક્સ મેઈલ' (ખોટી ધમકી) છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. પોલીસે જનતાને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તુરંત જાણ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Surat માં ફૂડ વિભાગ એક્શનમાં, પોંક વિક્રેતાઓને ફૂડ વિભાગની કડક સૂચના, આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવાય









