સુરતની શિયાળુ મોસમની ખાસિયત એટલે 'પોંક'. હાલમાં સુરતના વિવિધ વિસ્તારોમાં પોંકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ વિભાગની ટીમોએ શહેરની અલગ-અલગ 10 જેટલી સંસ્થાઓ અને પોંકના વેચાણ કેન્દ્રો પર તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન પોંક, સેવ, અને અન્ય આનુષંગિક ખાદ્ય સામગ્રીના 12 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સ્વચ્છતા અંગે કડક તાકીદ

ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં જો કોઈ ખામી કે ભેળસેળ જણાશે, તો સંબંધિત એકમો સામે કડક દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન અધિકારીઓએ માત્ર સેમ્પલ જ નથી લીધા, પરંતુ વિક્રેતાઓને હાઈજિન (સ્વચ્છતા) જાળવવા બાબતે પણ મહત્વની સૂચનાઓ આપી છે. ખાણીપીણીની વસ્તુઓ બનાવતી વખતે અને પીરસતી વખતે ગ્લોવ્ઝ (મોજા) પહેરવા ફરજિયાત છે. વાનગીઓ બનાવવામાં વપરાતું તેલ અને મસાલા ગુણવત્તાયુક્ત હોવા જોઈએ. આસપાસના વાતાવરણમાં ગંદકી ન ફેલાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. સુરતની જનતાને શુદ્ધ પોંક મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.