અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક શ્રમિકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
સામાન્ય બોલાચાલીમાં ટોકતા હત્યા
પ્રાપ્ત માહિતી મુજબ, મેઘાણીનગરના વિદ્યાનગર પાસે આવેલા સાંઈબાબાના મંદિર નજીક આ હત્યાની ઘટના બની હતી. મૃતક શ્રમિકનું નામ ચંદ્રશેખર તોમર હોવાનું જાણવા મળ્યું છે, જે અમદાવાદમાં એકલો રહીને મજૂરી કામ કરતો હતો.
મેઘાણીનગરમાં શ્રમિકની હત્યા
ચંદ્રશેખર તોમર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અજાણ્યા હુમલાખોરોએ ચંદ્રશેખર તોમર પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી હુમલાખોરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
અજાણ્યા ઇસમો છરીના ઘા ઝીંકી ફરાર
સૌથી દુઃખદ બાબત એ છે કે, મૃતક ચંદ્રશેખર તોમરના ઘરે માત્ર ત્રણ દિવસ પહેલા જ બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મના માતમની જગ્યાએ પરિવાર પર આ હત્યાનું આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારાઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે અને સામાન્ય બોલાચાલીને ટોકવાના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: બાઇક પર સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો, પોલીસે 'હીરોગીરી' ઉતારી, જાહેરમાં માફી મંગાવી