અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર જોખમી રીતે બાઇક સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનાર એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્ટંટ કરતો આ યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી.
અંકલેશ્વરમાં બાઇક પર સ્ટંટ કરનાર ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વર જીઆઈડીસીના વ્યસ્ત જાહેર માર્ગ પર એક યુવાન બાઇક પર ખતરનાક સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. આ સ્ટંટનો વીડિયો કોઈ વ્યક્તિએ શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા થયા હતા. વીડિયો વાયરલ થતાં જ અંકલેશ્વર પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી. પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતી બાઇકની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી અને આ સ્ટંટ કરનાર યુવાનની ઓળખ સૂરજ સુનાર તરીકે કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાઇક ચાલક સૂરજ સુનારને શોધી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી હતી.










