સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાપડના વેપારી સાથે રૂપિયા 89.14 લાખની મોટી છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા પિતા-પુત્રની જોડીને સુરત પોલીસે આખરે ત્રણ વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
છેતરપિંડી કરીને ફરાર પિતા-પુત્ર ત્રણ વર્ષે ઝડપાયા
પ્રાપ્ત માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં કાપડનો વેપાર કરતા એક વેપારીને આરોપી પિતા-પુત્રએ વિશ્વાસમાં લીધા હતા. વિશ્વાસ કેળવ્યા બાદ તેમણે વેપારી પાસેથી રૂપિયા 89 લાખ 14 હજારનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. જોકે, કાપડનો મોટો જથ્થો ખરીદ્યા બાદ આ બંને આરોપીઓએ વેપારીને પૈસા ચૂકવ્યા ન હતા અને છેતરપિંડી કરીને સુરતમાંથી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી આ બંને આરોપીઓને પકડવા માટે શોધખોળ કરી રહી હતી. આખરે પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ મુંબઈ નજીક થાણે ખાતે છુપાયેલા છે.










