અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરી સારું વળતર મેળવવાની ઈચ્છા રાખતા રોકાણકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ સ્કીમમાં રોકાણના નામે રૂપિયા 3.24 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી

ફરિયાદી જશ ભાટિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને 'સહદેવ કેપિટલ' નામની કોમર્શિયલ સ્કીમમાં રોકાણ કરવા માટે આકર્ષવામાં આવ્યા હતા. આરોપીઓએ આ સ્કીમમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં ખૂબ જ સારું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી હતી. આ વાતોમાં આવીને ફરિયાદીએ કુલ 7 ઓફિસ પેટે ટુકડે-ટુકડે કુલ ₹3.24 કરોડનું રોકાણ કર્યું હતું.

વેચાણ દસ્તાવેજ ન કરી વિશ્વાસઘાત કર્યો

આરોપીઓએ ફરિયાદી પાસેથી પૂરેપૂરી રકમ મેળવી લીધી હોવા છતાં, ઓફિસોનો વેચાણ દસ્તાવેજ કરી આપવા બાબતે લાંબો સમય સુધી વાયદાઓ કર્યા હતા. અંતે, દસ્તાવેજ ન કરી આપી રકમ પણ પરત ન આપતા ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સેટેલાઇટ પોલીસની તપાસ

સેટેલાઇટ પોલીસે જશ ભાટિયાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે 'સહદેવ કેપિટલ' સ્કીમ સાથે જોડાયેલા ભાગીદારો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કેટલા રોકાણકારો ભોગ બન્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: દક્ષેશ્વરનગરથી અલથાણ ખાડી સુધી પાલિકા-પોલીસનો સપાટો, રોડ પરના ગેરકાયદે દબાણો અને વાહનો દૂર કરાયા