અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલી વટામણ ચોકડી ખાતે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અને અત્યંત ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ટ્રાફિક જામ હોવાના કારણે એક ટ્રકની પાછળ કાર ઉભી હતી, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇશર ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર આગળ ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી અને કારનો લોચો વળી ગયો હતો.


વટામણ ચોકડી પર ત્રિપલ અકસ્માત

અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર આખો પરિવાર અંદર જ ફસાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા કોઠ પોલીસ, ફાયર ફાઇટરની ટીમ અને 108 ઇમરજન્સી સેવાનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાર ટ્રકની અંદર ખરાબ રીતે ફસાઈ ગઈ હોવાથી તેને બહાર કાઢવા માટે જેસીબી અને હાઇડ્રા જેવા ભારે મશીનોની મદદ લેવી પડી હતી.

ટ્રક અને આઇશર વચ્ચે કારનો કચ્ચરઘાણ

ભારે જહેમત બાદ કારના પતરાં તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ આઇશર ચાલક પોતાનું વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. હાલમાં કોઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ડ્રાઇવરની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Chhota Udepur: મધ્યપ્રદેશથી ગુજરાત મજૂરીએ આવતા પરિવારને નડ્યો અકસ્માત, જોડાવાટ પાસે તુફાન કારનો કચ્ચરઘાણ

  • Follow us on: