અમદાવાદમાં પોલીસ દ્વારા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલી કેરિયર કોચ પંકજસિંહ પરિહારને CTM ચેકપોઇન્ટ પર પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

CTM ચેકપોઇન્ટનો કડવો અનુભવ

પંકજસિંહ પરિહાર જ્યારે અમદાવાદની ઓફિસથી કામ પતાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે CTM નજીક એક્સપ્રેસ-વે પર પોલીસ ચેકપોઇન્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. પંકજસિંહનો આરોપ છે કે પોલીસ અધિકારીઓએ તેમનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેમની પરવાનગી વગર વોટ્સએપ મેસેજ તેમજ પર્સનલ ગેલેરી તપાસી હતી.

કબૂતરબાજીનો આરોપ અને લાંચની માગ

આટલું જ નહીં, પંકજસિંહના સાથીદારની ડાયરી તપાસીને પોલીસે તેમને "કબૂતરબાજી" (માનવ તસ્કરી) કરતા હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. લગભગ 50 થી 60 મિનિટ સુધી તેમને ત્યાં ગોંધી રાખી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પંકજસિંહનો ગંભીર આરોપ છે કે પોલીસે અંતે 'જો કંઈ હોય તો પતાવી દઈએ' તેમ કહી ચા-પાણી (લાંચ)ની પણ માગણી કરી હતી.

તપાસના આદેશ

આ ઘટના અંગે પંકજસિંહ પરિહારે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો, જે વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતા અમદાવાદ સાયબર ક્રાઇમ DCPને તપાસ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પાડોશી મહિલાએ પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને પતાવવાનો ખેલ ખેલ્યો