અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ પરિવારની અંદર રહેલા કલેશ અને અંધશ્રદ્ધાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ચાંદખેડા પોલીસે અત્યાર સુધીમાં પરિવારજનો અને ડેરી માલિક સહિત 25 લોકોના નિવેદન નોંધ્યા છે, જેમાં અનેક કડીઓ જોડાઈ રહી છે.

ચાંદખેડામાં બાળકીઓના મોતનો કેસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બાળકીના પિતા વિમલે 'ઉમિયા સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર'માંથી જંતુનાશક દવા ખરીદી હતી. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે માતા-પિતા બંનેના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ (ઝેર) ના અંશ મળી આવ્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આત્મહત્યાનો પ્રયાસ હતો કે પછી હત્યા?

ડાયરીએ ખોલ્યું રહસ્ય

પોલીસને માતા ભાવનાએ લખેલી એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં ભાવનાએ 'પુત્ર પ્રાપ્તિ' ની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હોવાનો ઉલ્લેખ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલ અને ભાવના વચ્ચે આર્થિક બાબતો અને કેટલીક અંગત ટેવોને લઈને વારંવાર માથાકૂટ થતી હતી. આ પારિવારિક કલેશ અને પુત્રની ઝંખનાએ જ આ કરુણ અંજામ આપ્યો હોવાની શક્યતા પ્રબળ બની છે.

તંત્રની કાર્યવાહી

હાલમાં બાળકીઓના FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ જ મૃત્યુનું સચોટ કારણ સ્પષ્ટ થશે. જોકે, પિતા દ્વારા જંતુનાશક દવાની ખરીદી અને માતાની ડાયરી આ કેસમાં નિર્ણાયક પુરાવા સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Panchmahal: પાનમ કોઠા યોજનાની મુખ્ય લાઈન લીકેજ, શહેરા નગરપાલિકા અને 19 ગામોમાં પાણી માટે મચશે પોકાર