પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની મોટી મુશ્કેલી સર્જાઈ છે. જોધપુર ટેકરા પાસે પાનમ કોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની 500 mmની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ લીકેજના કારણે શહેરા નગરપાલિકા સહિત આસપાસના 19 ગામોનો પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.

પાણીની લાઈનમાં લીકેજ

મુખ્ય લાઈનમાં લીકેજ થવાને કારણે શહેરા શહેર ઉપરાંત પંચામૃત ડેરી અને લાંભી સબ હેડવર્ક હેઠળ આવતા તમામ ૧૯ ગામોમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉનાળાના આકરા તાપમાં જ પાણી કાપ આવતા સ્થાનિક રહીશોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતા જ પાણી પુરવઠા વિભાગનો ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, "જ્યાં સુધી લાઈનનું રિપેરિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાણી પુરવઠો બંધ રહેશે." કામગીરી પૂર્ણ થયા બાદ જ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચો: Morbi: પૂર્વ પત્નીના આઠ વર્ષ જૂના લગ્ન બાબતે માથાકૂટ, સગી માતાની હત્યા મામલે પુત્રએ પિતાસામે નોંધાવી ફરિયાદ