અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં આજે મોટા ફેરફારો જોવા મળ્યા છે. AMCના મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાએ અચાનક સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) લેતા મ્યુનિસિપલ આલમમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બીજી તરફ, મનપા સંચાલિત હોસ્પિટલોમાં પણ મહત્વની જગ્યાઓ પર ભરતી અને બઢતીના આદેશો આપવામાં આવ્યા છે.
મુખ્ય સિટી ઇજનેરનું VRS મંજૂર
આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠકમાં મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાના સ્વેચ્છિક રાજીનામાને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, તેઓ આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી પોતાની ફરજ પર કાર્યરત રહેશે. તેમના અચાનક લેવાયેલા આ નિર્ણયથી કોર્પોરેશનના રાજકારણ અને વહીવટી લોબીમાં ભારે ચર્ચા જાગી છે.
હોસ્પિટલ વિભાગમાં બઢતી અને નવી નિમણૂકો
શહેરની AMC સંચાલિત હોસ્પિટલોની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે HOD (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) અને ડેપ્યુટી HOD પદ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. બે ડેપ્યુટી HODને પ્રમોશન આપીને HOD બનાવવામાં આવ્યા છે. ચિરાગ પંચાલ (હાલ ડેપ્યુટેશન પર) અને જવલીન હાલાણીને HOD તરીકેની જવાબદારી સોંપાઈ છે. આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મીન વ્યાસને ડેપ્યુટી HOD પદે બઢતી આપવામાં આવી છે. તંત્ર દ્વારા નવા 3 ડેપ્યુટી HODની પણ સીધી ભરતી કરવામાં આવી છે. જેમાં પિયુષ ઠાકોર, નિલેશ ડોરિયા અને પરેશ પાંડવની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: સિંધુભવન રોડ પર સ્ટંટબાજી ભારે પડી, ચાલુ બાઇકે ખેલ કરવા જતાં બે યુવાનો હવામાં ફંગોળાયા