અમદાવાદમાં અદાણી ગેસના CNG માં છેલ્લા પાંચ વર્ષ ત્રણ મહિનામાં અધધ 31.41 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઈ જતા સામાન્ય અને મધ્યમવર્ગ આર્થિક ભારણ વચ્ચે દબાતો જઇ રહ્યો છે. વર્ષ 2021માં 11 વખત ભાવ વધારો થઈને CNGમાં પ્રતિ કિલોએ એક વર્ષમાં જ 15.23 રૂપિયા ભાવ વધી ગયો હતો.વર્ષ 2022માં 12 વખત ભાવ વધીને 79.24 રૂપિયા ભાવ થઇ ગયો હતો.નવાઈની વાત એ છે કે વર્ષ 2022માં CNGના ભાવે તા.4-8-2022ના રોજ પ્રતિ કિલોએ ભાવમાં 87.38 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટી મેળવી હતી.જોકે ત્યાર બાદ ક્રમઃ ભાવ ઘટતા બે મહિનામાં જ ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
રોજિંદા ટ્રાવેલ્સ ખર્ચમાં વધારો થઈ જશે
CNGમાં ભાવ વધારા સાથે શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોના ખર્ચમાં વધારો થશે.પરિણામે તેઓ જો ભાડા વધારી દે તો તેનો સીધો બોજ સામાન્ય મુસાફરો પર આવી શકે છે.ખાનગી વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરતા નાગરિકો માટે રોજિંદા ટ્રાવેલ્સ ખર્ચમાં વધારો થઈ જશે.માસિક બજેટ પર તેની અસર વર્તાઈ શકે છે. સીએનજી આધારિત નાના કોમર્શિયલ વાહનોના ખર્ચમાં વધારો થતા માલસામાનના ભાવમાં પણ વધારો થઈ શકે છે.આથી મોંઘવારી વધી શકે છે.અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આ ભાવ વધારાનો વિરોધ કરાયો છે.
