ભારતીય જનતા પાર્ટી (BJP) અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અમદાવાદ ખાતે સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંવિધાનના મહત્ત્વને ઉજાગર કરવાની સાથે-સાથે મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો અને મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. પ્રદ્યુમન વાજા, મનિષા વકીલ અને દર્શના વાઘેલા જેવા મોરચાના નવનિયુક્ત મંત્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન દ્વારા ભાજપે અનુસૂચિત જાતિ સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
એક લાખ પોસ્ટકાર્ડથી ગૌરવગાથા
આ ઉજવણીના ભાગરૂપે, ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. મોરચાના સભ્યો દ્વારા 1 લાખ જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. આ પોસ્ટકાર્ડ ભારતના વડાપ્રધાન (PM), રાજ્યના મુખ્યમંત્રી (CM) અને પ્રદેશ પ્રમુખને સંબોધીને લખાયા હતા, જેમાં અનુ.જાતિના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપી સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા, જેણે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીની સાથે-સાથે સંગઠનની મજબૂતીનું પ્રદર્શન કર્યું હતું.













