અમદાવાદ શહેરની જાણીતી ઉદગમ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ચોક્કસ બ્રાન્ડનું સ્વેટર, શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થળેથી જ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. એક જાગૃત વાલી દ્વારા DEOને પત્ર લખીને આ અંગે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે શાળા દ્વારા માત્ર યુનિફોર્મનું સ્વેટર જ નહીં, પરંતુ શૂઝ અને અન્ય યુનિફોર્મ આઇટમ્સ પણ ચોક્કસ જગ્યાએથી જ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું.
બાળકોના શિક્ષણમાં વેપાર
આ અંગેની માહિતી શાળાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી હોવાનો પુરાવો વાલીએ રજૂ કર્યો હતો. DEO દ્વારા આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઉદગમ સ્કૂલને નોટિસ મોકલી છે અને આગામી 2 દિવસમાં આ સમગ્ર મામલે યોગ્ય અને સંતોષકારક ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે. DEOએ સ્પષ્ટ કર્યું છે કે જો શાળા સંતોષકારક ખુલાસો રજૂ નહીં કરે, તો નિયમોના ભંગ બદલ શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 10,000 જેટલો મોટો દંડ થઈ શકે છે. શાળા સંચાલકોને હવે નિયત સમયમર્યાદામાં પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.













