ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખતરનાક ખેલને રોકવા માટે ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. છેલ્લા 30 દિવસમાં રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તંત્રએ શુદ્ધ ખોરાકની ખાતરી કરવા માટે 4000થી વધુ એકમો પર દરોડા પાડ્યા છે.
પનીરના જથ્થાનો નાશ અને એકમો સીલ
તપાસ દરમિયાન સૌથી વધુ ગેરરીતિ ડેરી પ્રોડક્ટ્સમાં જોવા મળી છે. તંત્રએ વિવિધ શહેરોમાંથી શંકાસ્પદ અને ભેળસેળિયા 1018 કિલો પનીરનો જથ્થો પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોગ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા 18 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 270 એકમોને કડક નોટિસ ફટકારી છે.
ઉનાળામાં જ્યુસ અને આઈસ્ક્રીમ પર વોચ
કાળઝાળ ગરમીને કારણે હાલ બજારમાં શેરડીનો રસ, ફ્રૂટ જ્યુસ અને આઈસ્ક્રીમની માંગ વધી છે. આ તકનો લાભ લઈ હાનિકારક રંગો કે વાસી ફળોનો ઉપયોગ ન થાય તે માટે 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' દ્વારા 1576 સ્થળોએ સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જ્યુસ અને અન્ય ઠંડા પીણાના 118 નમૂનાઓને અત્યારે લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મનપા દ્વારા આકરો દંડ
વિવિધ મહાનગરપાલિકાઓએ પણ આ ઝુંબેશમાં જોડાઈને સ્વચ્છતા ન જાળવનારા અને લાઇસન્સ વગર ધંધો કરતા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી ચીમકી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara: પાદરા પાસે દિલ્હી-મુંબઈ હાઇવે પર ભયાનક અકસ્માત, સુરત ગ્રામ્ય SOG ના કોન્સ્ટેબલનું કમકમાટીભર્યું મોત