વડોદરા જિલ્લાના પાદરા પાસે પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું કરુણ મોત નીપજ્યું છે.

વડોદરાથી પરત ફરતી વખતે સર્જાયો કાળ

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય SOG માં કાર્યરત કોન્સ્ટેબલ ભરત દેસાઈ કોઈ અંગત કે વ્યાવસાયિક કામે વડોદરા આવ્યા હતા. આજે તેઓ પોતાની કાર લઈને વડોદરા તરફથી સુરત પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પાદરા પાસે એક્સપ્રેસ વે પર તેમની કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ઘટનાસ્થળે જ તોડ્યો દમ

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ભરત દેસાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

બનાવની જાણ થતા જ પાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ ચાલકની શું ભૂમિકા હતી તે અંગે તપાસ શરૂ કરી છે. સુરત ગ્રામ્ય પોલીસમાં એક નિષ્ઠાવાન જવાનના અવસાનથી સાથી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Kutch: ભુજમાં ISISની વિચારધારાને અનુસરતો શખ્સ ઝડપાયો, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હોવાનો ખુલાસો