અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એવો ગુનો ઉકેલી કાઢ્યો છે, જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. વર્ષ 1992માં એટલે કે આજથી 34 વર્ષ પહેલાં વટવા વિસ્તારમાં બનેલી એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ તેના ભાઈ અને મિત્ર સાથે મળીને ગળું દબાવી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ઘરના જ ખાળકુવામાં દાટી દીધી હતી.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 1992માં ફરજાના નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. ફરજાના દેહવ્યાપારના વ્યવસાય સાથે જોડાયેલી હતી, જે તેના પતિ સમસુદ્દીન ખેડાવાલાને પસંદ ન હતું. વારંવાર કહેવા છતાં ફરજાનાએ આ કામ બંધ ન કરતા શમ્સુદ્દીને તેના ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

ગળું દબાવી હત્યા કરી, ખાળકુવામાં દાટ્યો મૃતદેહ

34 વર્ષ પહેલાં મોડી રાત્રે વટવા કુતુબનગર વિસ્તારમાં આવેલા શાલિયા બીબીના મકાનમાં ફરજાનાનું ગળું દબાવી કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ કોઈને ખબર ન પડે તે રીતે ઘરના જ ખાળકુવામાં મૃતદેહને દાટી દેવામાં આવી હતી. દાયકાઓ સુધી આ રાઝ દટાયેલું રહ્યું હતું, પરંતુ તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોદકામ કરવામાં આવતા ખાળકુવામાંથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા.

DNA રિપોર્ટ અને પોલીસ તપાસ

પોલીસે આ કેસમાં સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે મૃતક ફરજાનાના વતન ધોળકામાં તપાસ કરી હતી. ત્યાં રહેતા તેના ભાઈના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. એફએસએલ (FSL) તપાસમાં ખાળકુવામાંથી મળેલા અંગોના DNA ફરજાનાના ભાઈ સાથે મેચ થતા હત્યાની પુષ્ટિ થઈ હતી.

બે આરોપીઓની ધરપકડ

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને મુખ્ય આરોપી અને મૃતકનો પતિ સમસુદ્દીન ખેડાવાલા તથા તેના ભાઈ (જેઠ) ઈકબાલની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીનું અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. 34 વર્ષ બાદ કાયદાના લાંબા હાથ આરોપીઓ સુધી પહોંચતા આ કેસ સમગ્ર અમદાવાદ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


આ પણ વાંચો - Ahmedabad : 18 હાડકાં, એક ખોપરી અને 34 વર્ષનો ઈન્તજાર, વટવા હત્યા કેસમાં આખરે સત્યનો સૂર્યોદય