અમદાવાદની શાળાઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલના મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આક્રમક તપાસ શરૂ કરી છે. શહેરની 23 જેટલી શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શૈક્ષણિક જગતમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા સાયબર ક્રાઈમે તાત્કાલિક ગુનો નોંધી ટેકનિકલ તપાસ હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ધમકીઓ આપવા માટે 3 અલગ-અલગ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 2 હોટમેઈલ (Hotmail) અને 1 એટોમિક મેઈલ (Atomic Mail) એકાઉન્ટનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ જેલને પણ મોકલવામાં આવ્યો મેઈલ
ચોંકાવનારી વિગત એ છે કે આ ધમકીભર્યા મેઈલ માત્ર શાળાઓ સુધી મર્યાદિત નહોતા, પરંતુ અમદાવાદ સેન્ટ્રલ જેલ સહિત અન્ય મહત્વની કચેરીઓને પણ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમની ટીમો હવે આ મેઈલના સર્વર લોકેશન અને તેના મૂળ સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મેઈલ કોઈ વિદેશી આઈપી એડ્રેસ પરથી કરવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. શહેરની સુરક્ષા એજન્સીઓ હાલ હાઈ-એલર્ટ પર છે અને વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
