અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા એક નાગરિકને પોતાના જેલમાં બંધ સગા વ્હાલાને બહાર લાવવાની ઉતાવળમાં સાયબર ક્રાઇમનો ભોગ બનવું પડ્યું છે. સામાન્ય રીતે લોટરી, બેંક કેવાયસી (KYC) કે પાર્સલ ફ્રોડના નામે ઠગાઈ કરતા સાયબર ગઠિયાઓએ હવે પોલીસ અને જેલ વિભાગના નામે લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે કાયદાકીય એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

ઇમરજન્સી ઊભી કરી દબાણ લાવ્યા

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી વ્યક્તિના એક સંબંધી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે અને તેમના પેરોલ મંજૂર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન ફરિયાદીના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે સાબરમતી જેલમાંથી બોલે છે તેમ કહી ભારે રૂઆબ જમાવ્યો હતો. તેણે જણાવ્યું કે, "તમારા સંબંધીના પેરોલ મંજૂર થઈ ગયા છે પરંતુ સરકારી ફી અને તાત્કાલિક ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે અત્યારે જ રૂપિયા 45000 ચૂકવવા પડશે."

ઉતાવળમાં સાયબર ક્રાઇમનો ભોગ બનવું પડ્યું 

ફરિયાદી કંઈ વિચારે તે પહેલા જ સાયબર ગઠિયાએ ફોન પર સતત દબાણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધમકાવ્યો હતો કે જો આગામી 10 મિનિટમાં પૈસા ઓનલાઇન ટ્રાન્સફર નહીં થાય, તો પેરોલની ફાઇલ કાયમ માટે રિજેક્ટ (રદ) કરી દેવામાં આવશે. સંબંધી જેલમાંથી વહેલા બહાર આવે તેવા ડર અને દબાણવશ થઈને ફરિયાદીએ સાયબર ગઠિયાએ આપેલા એકાઉન્ટમાં તાબડતોબ રૂપિયા 45000 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા.

નાણાં ટ્રાન્સફર થતાં જ ફોન બંધ

પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ પણ જ્યારે જેલ તરફથી કોઈ સત્તાવાર મેસેજ ન આવ્યો અને સામેવાળા શખ્સનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો, ત્યારે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે તાત્કાલિક માધુપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. માધુપુરા પોલીસે આ મામલે સત્તાવાર રીતે ગુનો નોંધી, જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેને ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાયબર સેલની મદદથી આ ટોળકી ક્યાંથી ઓપરેટ થઈ રહી છે તેનું લોકેશન ટ્રેસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: ટ્યુશન ફીના 4 હજાર ખોવાતા મિત્રની મદદ માગી, ભેજાબાજે 6.58 લાખના દાગીના પડાવી લીધા