કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડન ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ સહિતની માહિતી માગી

પરિમલ નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. વધુમાં, તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરી હતી.

મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડાની પણ માહિતી માગી

આ ઉપરાંત પરિમલ નથવાણી ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણવા માંગતા હતા.

ફ્લાયઓવર અને અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ

NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

07 પુલ અને ફ્લાયઓવર- અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ

મંત્રીના લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, NH-48ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ 2011માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં 07 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે, વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે, એમ જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ

 ગડકરીએ એ પણ માહિતી આપી હતી કે NH-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ

તદુપરાંત ,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે જે માર્ચ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.


આ પણ વાંચો---     Amit Shah in Loksabha Today: સ્પીકર કોઇ પક્ષના નહી સદનના હોય છે, લોકસભામાં બોલ્યા અમિત શાહ