અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં આજે વહેલી સવારથી જ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલિશનને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્રની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો એટલો બિચક્યો હતો કે વિરોધ પ્રદર્શન કરી રહેલા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહેલા કેટલાક સ્થાનિકોની પોલીસે અટકાયત પણ કરી છે.
મોટેરામાં ભારે વિરોધ વચ્ચે AMCનું બુલડોઝર એક્શન
આ ડિમોલિશન અંગે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે અનેક અફવાઓ ઉડી હતી, જેના પર એસ્ટેટ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અહીં કોઈ આસારામ આશ્રમ તોડવામાં આવી રહ્યો નથી, પરંતુ આશ્રમના સાધકો દ્વારા સરકારી ગામતળની જમીન પર જે ગેરકાયદે મકાનો બનાવવામાં આવ્યા હતા, તેના પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કુલ ૩૬ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જે માટે સ્થાનિકોને કોઈ અચાનક નોટિસ નથી અપાઈ પરંતુ 1 વર્ષ પહેલાં જ મકાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.










