લુણાવાડા તાલુકાના આરામપુરા ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તાની બાજુમાં હાજર ત્રણ માસૂમ બાળકોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય બાળકો લોહીલુહાણ થઈ જતાં ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક સાડા ચાર વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આરામપુરા પાસે કાળજું કંપાવનારો અકસ્માત

મળતી વિગતો અનુસાર, સ્કોર્પિયો ચાલકે નિર્દોષ બાળકોને અડફેટે લેતા જ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય બાળકોને તાત્કાલિક ધોરણે પ્રથમ લુણાવાડાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે મોડાસા રિફર કરવામાં આવ્યા હતા. જોકે, દુર્ભાગ્યે મોડાસા ખાતે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અરબ મહોમદ ઝિયાન જુનેદ નામના અંદાજિત ૪.૫ વર્ષના માસૂમ બાળકે દમ તોડી દીધો હતો. બાળકના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

લુણાવાડા પાસે કારે 3 માસૂમ બાળકોને અડફેટે લીધા 

જ્યારે આ અકસ્માતમાં ભોગ બનેલા અન્ય બે બાળકોની હાલત પણ અત્યંત નાજુક હોવાના કારણે તેમને વધુ ઓબ્ઝર્વેશન અને ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા બેફામ સ્કોર્પિયો કારના ચાલકને સ્થાનિક પોલીસની સતર્કતાને કારણે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: મેયર નેહલ શુક્લે સેક્રેટરી ધવલ જેસડિયાને પદ પરથી હટાવ્યા, હરેશ રૂપારેલિયાની ફરી તાજપોશી


  • Follow us on: