અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો અને ભ્રષ્ટાચારના કારણે વિવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ પણ વિવાદોમાંથી બહાર આવી રહ્યો નથી. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે આજે પાણીની મુખ્ય લાઈન તૂટી જવાની ઘટના સામે આવી છે. જેને પગલે આસપાસના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.
હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ પણ વિવાદ
મળતી માહિતી મુજબ, હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ચાલી રહેલા હેવી મશીનરીના ઉપયોગ દરમિયાન જમીનની નીચેથી પસાર થતી પાણીની પાઈપલાઈન ડેમેજ થઈ હતી. આ ઘટનાને કારણે રસ્તા પર હજારો લિટર પાણી વહી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ આ જ સ્થળે ગેસ લાઈન લીકેજ થવાની ઘટના બની હતી, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. સતત બીજા દિવસે યુટિલિટી લાઈનોને નુકસાન પહોંચતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
