ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગરના મહુવા તાલુકામાં બુટલેગરોની એક ચોંકાવનારી કરામત સામે આવી છે. મહુવાના હરિપરા રોડ પર આવેલા એક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં પોલીસ ત્રાટકી હતી, જ્યાં ડુંગળીના પ્લાન્ટની આડમાં ધમધમતી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ભાવનગર ફ્લો સ્ક્વોડે દારૂ બનાવતા સમયે જ 6 શખ્સોને રંગેહાથ દબોચી લીધા છે.
ડીહાઈડ્રેશન પ્લાન્ટની આડમાં કારસો
બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. હરિપરા રોડ પર આવેલા એક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં આગળના ભાગે રાબેતા મુજબ કામકાજ ચાલતું હતું, પરંતુ પ્લાન્ટની પાછળના ભાગે આવેલા એક ગુપ્ત રૂમમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી કાર્યરત હતી. અહીં નકલી દારૂ બનાવી તેને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચવાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી.
