માનવતા અને મિત્રતાને શરમાવે તેવી એક ઘટના ડાંગ જિલ્લાના નીલશાકીયા ગામેથી પ્રકાશમાં આવી છે. જેમાં માત્ર 500 રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા 50 વર્ષીય આધેડ પર તેના જ મિત્રએ લાકડાના સિક્સર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ બનાવને પગલે સમગ્ર આદિવાસી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નીલશાકીયા ગામમાં ઉઘરાણીમાં ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી મુજબ, નીલશાકીયા ગામે રહેતા 50 વર્ષીય અનિલભાઈ રમજુભાઈ પવારે આશરે બે મહિના પહેલા તેમના મિત્ર જીતેશ અશોકભાઈ પવારને 500 રૂપિયા ઉછીના આપ્યા હતા. ગત રોજ જ્યારે અનિલભાઈએ પોતાના ઉધાર આપેલા નાણાંની પરત માંગણી કરી, ત્યારે જીતેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. વાતચીતમાંથી ઝઘડો એટલો વધ્યો કે જીતેશે લાકડાનો ફટકો ઉઠાવી અનિલભાઈ પર તૂટી પડ્યો હતો.
ગંભીર ઈજાઓ અને કરુણ મોત
આરોપી જીતેશે અનિલભાઈના માથાના ભાગે લાકડાનો જોરદાર પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ છાતીના ભાગે પણ ઘાતકી ફટકા માર્યા હતા. હુમલાને કારણે અનિલભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
પત્નીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
પતિના કરુણ મોત બાદ મૃતકની પત્ની સુબીબેન પવારે આહવા પોલીસ મથકે ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. આહવા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી જીતેશ પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 500 રૂપિયા માટે મિત્રએ જ મિત્રનો જીવ લેતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: Gandhinagar: કડજોદરામાં ઠપકો આપવા બાબતે મામલો બિચક્યો, બે જૂથો વચ્ચે સામસામે મારામારીમાં વૃદ્ધ વકીલનું કરુણ મોત