સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવતા ભૂતિયા કૌભાંડીઓ સામે DGGI (ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ) અમદાવાદે લાલ આંખ કરી છે. એક ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ, જામનગર અને મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડીને ₹1,403.66 કરોડના ફેક ટર્નઓવર અને ₹252.66 કરોડના ખોટા ITC કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.


કઈ રીતે ચાલતું હતું આખું કૌભાંડ? 

તપાસમાં સામે આવ્યું છે કે આ આખું કૌભાંડ 17 જેટલી GST રજિસ્ટર્ડ બોગસ કંપનીઓ મારફતે ચલાવવામાં આવતું હતું. આ કંપનીઓ વાસ્તવમાં કોઈ માલ કે સેવાની આપ-લે કરતી નહોતી, માત્ર કાગળ પર બોગસ બિલો જનરેટ કરવામાં આવતા હતા.આ કૌભાંડનો ઉપયોગ ખાસ કરીને આયર્ન-સ્ટીલ, કેમિકલ, સિમેન્ટ, એગ્રીકલ્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ટેક્સ ચોરી કરવા માટે થતો હતો. આ સિન્ડિકેટ દ્વારા નાણાકીય વ્યવહારો માટે RTGS અને હવાલા મારફતે રોકડની હેરફેર કરવામાં આવતી હતી.

માસ્ટરમાઇન્ડ રિઝવાન ખોજા અને લલિત જૈન

તપાસમાં અમદાવાદનો રિઝવાન ખોજા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. રિઝવાન અત્યંત શાતિર રીતે ડમી ડિરેક્ટરો રાખીને પડદા પાછળથી કામ કરતો અને પકડાઈ ન જાય તે માટે વારંવાર મોબાઈલ હેન્ડસેટ બદલતો રહેતો હતો. જ્યારે લલિત જૈન નામના શખ્સની ભૂમિકા બોગસ ઇનવૉઇસ વેચવા માટે 'બ્રોકર' તરીકેની હતી.

કાયદાકીય કાર્યવાહી અને જપ્ત કરેલા દસ્તાવેજો

દરોડા દરમિયાન DGGI ની ટીમે વિપુલ પ્રમાણમાં ડિજિટલ ડિવાઇસ, વાંધાજનક દસ્તાવેજો અને ડમી કંપનીઓના સીલ જપ્ત કર્યા છે. રિઝવાન અને લલિત સહિત કુલ 6 આરોપીઓની CGST એક્ટની કલમ 132(1)(b) અને (c) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે કંપનીઓએ આ ફેક બિલો ખરીદીને ખોટી રીતે ITC મેળવી છે, તેવા લાભાર્થીઓ સામે પણ આગામી દિવસોમાં કાયદાનો સકંજો કસાઈ શકે છે.

આ પણ વાંચો: જયરાજ આહીરની ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા, ગમે તેવો ચમરબંધી હોય, સજા મળવી જ જોઈએ

  • Follow us on: