નવનીત બાલધિયા મારપીટ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ બાદ આખરે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે ભાવનગરના સંત ઋષિ ભારતી બાપુએ હર્ષની લાગણી વ્યક્ત કરતા પોલીસ અને SIT (Special Investigation Team) ની કામગીરીને બિરદાવી છે.
ન્યાયની જીત અને SITનો આભાર
ઋષિ ભારતી બાપુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે SITની ટીમે જે મહેનત કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે, "હું SITની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે સત્યનો સાથ આપ્યો અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું.
ચમરબંધીને સજા મળવી જ જોઈએ
બાપુએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સમાજમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. SIT એ સાબિત કરી દીધું છે કે જો મજબૂત પુરાવાઓ હાથ લાગે, તો સામે ગમે તેવો વગદાર કે ‘ચમરબંધી’ વ્યક્તિ કેમ ન હોય, કાયદો તેને છોડતો નથી. કોઈપણ ચમરબંધી ગુનો કરે તો તેને સજા મળવી જ જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.
પોલીસ પ્રશાસન પર વધ્યો વિશ્વાસ
આ ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુએ પોલીસ વિભાગની નિષ્પક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ આટલી ઈમાનદારીથી કામ કરે છે ત્યારે સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. નવનીત બાલધિયાને થયેલા અન્યાય સામે આ એક મોટો વિજય ગણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ