અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડોના ખર્ચે ઈ-ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ, હાલમાં આ સ્ટેશનોની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે તંત્ર માત્ર પ્રોજેક્ટ શરૂ કરવામાં રસ ધરાવે છે, તેની જાળવણીમાં નહીં. શહેરના હૃદય સમાન કાંકરિયા વિસ્તારમાં આવેલા ચાર જેટલા ચાર્જિંગ સ્ટેશનો અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે.
જાળવણીના અભાવે સાધનો થયા બરબાદ
કાંકરિયા લેકફ્રન્ટની આસપાસ જે હેતુથી આ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા હતા, તે હેતુ અત્યારે બર આવતો દેખાતો નથી. સ્ટેશન પરના મશીનો અને વાયરો તૂટેલી હાલતમાં છે અને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે વાહનચાલકો પોતાના ઈલેક્ટ્રિક વાહનો લઈને અહીં ચાર્જિંગ માટે આવે છે, તેમને નિરાશ થઈને પરત ફરવું પડે છે.
