રાજ્યમાં ગરમીનો પારો વધવાની આશા વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની ડરામણી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ પસાર થવાને કારણે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી છે.
પવનના સુસવાટા અને ગાજવીજ
માત્ર વરસાદ જ નહીં, પરંતુ પવન પણ આફત બનીને ત્રાટકશે. હવામાન વિભાગના મતે વરસાદ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ગાજવીજ અને તેજ પવનને કારણે કાચા મકાનો અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
એપ્રિલમાં પણ નહીં મળે રાહત
રાજ્યમાં માવઠાનો આ રાઉન્ડ ટૂંકા ગાળાનો નથી. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 2 અને 3 એપ્રિલે ફરીથી વરસાદનું જોર વધશે. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અત્યારે ઉનાળુ પાક અને રવિ પાકની કાપણી અંતિમ તબક્કામાં છે.
આ પણ વાંચો: Vadodara: કરજણના નારેશ્વર રોડ પર બાઈક સ્લીપ થતા ડમ્પર ફરી વળ્યું, 2 વર્ષની માસૂમ બાળકી અને યુવકનું કરુણ મોત