વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નર્મદા નદીના કિનારે લીજ વિસ્તારમાં જવાના રસ્તે એક બાઈક સ્લીપ થઈ જતાં પાછળથી આવી રહેલા હાઈવા ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી 2 વર્ષની માસૂમ બાળકી અને એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

નાસ્તો લઈને પરત ફરતા સમયે નડ્યો કાળ

મળતી પ્રાથમિક વિગતો મુજબ, ભાઠા વિસ્તારમાં રહેતો એક ઈસમ પોતાની બાઈક પર 2 વર્ષની બાળકી અને અન્ય એક શખ્સ સાથે નારેશ્વર ખાતે નાસ્તો લેવા માટે આવ્યો હતો. નાસ્તો લઈને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાચા રસ્તાના ચીલામાં અચાનક બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઈક સવારો નીચે પટકાયા તે જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલું હાઈવા ડમ્પર તેમના પર ફરી વળ્યું હતું.

 બાળકી અને એક યુવકનું કમકમાટીભર્યું મોત 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર નીચે દબાઈ જવાથી 2 વર્ષની બાળકી અને બાઈક ચલાવનાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ સવાર અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અત્યાર સુધી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સત્તાવાર ઓળખ થઈ શકી નથી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Amreli: લાઠીના ચાવંડ પાસે જાનની બસ પલટી મારી, 40 મુસાફરો ભરેલી બસમાં 20ને ઈજા